વડા પ્રધાન ઋષિ સુનકે શ્રી કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિર કેન્ટનની મુલાકાત લીધી

વડા પ્રધાન ઋષિ સુનકે શ્રી કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિર કેન્ટનની મુલાકાત લીધી

વડા પ્રધાન ઋષિ સુનકે શ્રી કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિર કેન્ટનની મુલાકાત લીધી

Blog Article

પ્રાઈમ મિનિસ્ટર ઋષિ સુનકે તા. 24ના રોજ નોર્થ વેસ્ટ લંડનના કેન્ટન હેરો સ્થિત શ્રી કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લીધી હતી. જ્યાં હેરો ઇસ્ટના પૂર્વ એમ.પી. અને સંસદીય ઉમેદવાર શ્રી બોબ બ્લેકમેન તથા શ્રી સુનકને એસજીવીપીના અધ્યક્ષ સ્વામી શ્રી માધવપ્રિયદાસજી તથા વડતાલના કોઠારી શ્રી ડો. સંતવલ્લભદાસજીએ ભગવાનની પ્રસાદીના હાર પહેરાવી ઋષિ સુનકને આશીર્વાદ આપ્યા હતા.

સંતો, મંદિરની કમિટીના સભ્યો સાથે ઋષિ સુનક અને બોબ બ્લેકમેને શ્રી ઘનશ્યામ મહારાજની આરતી ઉતારી હતી. ડો. સંતવલ્લભદાસજીએ શ્રી સુનકને ‘વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ’નું નિમંત્રણ પણ અર્પણ કર્યું હતું. જેનો તેમણે આદરપૂર્વક સ્વીકાર કર્યો હતો.

પૂ. સ્વામી માધવપ્રિયદાસજી, ડો. સંત સ્વામી, સ્વામી શુકદેવદાસજી-નારવાળા તથા સારંગપુરના કોઠારી વિવેક સ્વામી વગેરે સંતોએ સારંગપુર કષ્ટભંજનદેવની સુંદર પ્રતિમા સુનકને અર્પણ કરી હતી. જેનો સહર્ષ સ્વીકાર કરતા શ્રી સુનકે કહ્યું હતું, ‘હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે આ મૂર્તિ હું મારી સામે રાખીશ.’

આશીર્વચન આપતા સ્વામી પૂ. માધવપ્રિયદાસજીએ સભામાં જણાવ્યું હતું કે, “આદરણીય સુનકજી! આપ પોતાના લોકો વચ્ચે અહિં આવ્યા છો. આપના ઉપર હજ્જારો ભારતીય ભાઇ બહેન ગૌરવ અનુભવે છે. આ દેશમાં ચૂંટણીઓ ચાલી રહી છે ત્યારે તમે ભાગ્યાશાળી છો કે તમે ભગવાનની આરતી કરીને અશિર્વાદ લીધા છે. આપના નેતૃત્વમાં બ્રિટનને આધ્યાત્મિક અને અર્થિક રીતે વિજય પ્રાપ્ત થાય તેવી કામનાઓ કરીએ છીએ. ભારત અને ગ્રેટ બ્રિટનના સંબંધો વિશેષ સુદ્રઢ થયા છે અને ભવિષ્યમાં તે વિશેષ સુદ્રઢ બને કે માટે અમને આપની આવશ્યકતા છે. અમે સૌ ભારતીયો ડાઇવર્સીટીમાં માનીએ છીએ અને આપણા ઋષિઓના કામના છે કે આ ધરતી પર રહેતા સર્વે પ્રાણીઓ સુખી રહે અને આ સંસ્કાર આપને જન્મજાત મળ્યા છે તેનો મને આનંદ અને ગૌરવ છે.’’

પૂ. સ્વામીજીએ કહ્યું હતું કે ‘’અહિં બેઠેલા અને અન્ય હજારો ભારતીય ભાઈ-બહેનોએ સમજદારી અને પુરુષાર્થથી ગ્રેટ બ્રિટનના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપેલું છે અને તેઓ સૌ આપની સાથે છે એમ ગૌરવ સાથે કહી શકીએ છીએ. આ મંદિર અજોડ છે અને ભવ્ય મંદિરના બાંધકામમાં એક પણ પૈસાનો લેબરનો ખર્ચ થયો નથી અને વપરાયેલું મટીરીયલ પણ દાતાશ્રીઓ તરફથી દાનમાં મળેલું છે. આપ મંદિરે પધાર્યા છો ત્યારે અમે આપનો આગામી ચૂંટણીઓમાં વિજય થાય તેવી પ્રાર્થના કરીએ છીએ.”

પૂર્વ એમ.પી. અને સંસદીય ઉમેદવાર બોબ બ્લેકમેને સૌને જય સ્વામિનારાયણ કહી પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ’’મારી પત્ની હંમેશા મને કહે છે કે તું અન્ય કોઇ ધાર્મિક સ્થળ કરતા વધુ સમય હિન્દુ મંદિરમાં પસાર કરે છે. આપ સૌ આપણા સમાજની કરોડરજ્જુ સમાન છો અને તમે અન્ય સમુદાયની જેમ જ વધુ સૌજન્યશીલ છો. સ્વામીજી આપના શબ્દો માટે આભાર. લોકો માને છે તે કરતા કદાચ હું વધુ ગુજરાતી જાણું છું. અમારી પાર્ટીના મુલ્યો જેવા કે પારિવારિક મુલ્યો, શિક્ષણ, મહેનત વગેરે મુલ્યો ગુજરાતીઓ ધરાવે છે, અમારા પક્ષે પહેલા મહિલા અને પહેલા ભારતીય વડા પ્રધાન આપ્યા છે.’’

વડા પ્રધાન ઋષિ સુનકે અવારનવાર તાળીઓના ગડગડાટ વચ્ચે જણાવ્યું હતું કે ‘’મને આજે તમારી સામે ઉપસ્થિત રહેતા આનંદ થાય છે. બોબે આપના જે મુલ્યોની વાત કરી તે જ રીતે મારો ઉછેર થયો છે. આપના કરતા મારો કોઇ મોટો બીજો સપોર્ટર નથી સિવાય કે બોબ બ્લેકમેન. હિન્દુ કેલેન્ડરની વાત આવે ત્યારે ક્યાં તો મારા સાળા કે પછી બોબ બ્લેકમેન મને તેમાં મદદ કરે છે. તમારે એ ખાસ ખ્યાલ રાખવો જોઇએ કે બોબ તમારા માટે કેટલું કરે છે. તમારા માટે જે કઇં કરી શકાય તે બધું તમારા માટે બોબ કરે છે. તે માટે હું બોબનો ખૂબ ખૂબ આભાર માનુ છું.’’

સુનકે જણાવ્યું હતું કે ‘’આપના જે મુલ્યો છે તેવા જ મુલ્યો કોન્ઝર્વેટિવ પાર્ટીના છે અને ચૂંટણી પણ તે મુલ્યોને આધારીત છે. આ બધુ ફેમિલી માટે છે અને સમાજને પરત કરવા વિષે છે. આપણે સેવા કરવા માટે ઉછર્યા છીએ. તમે સૌ અહિં આવો છો અને એક વાતાવરણ ઉભુ કરો છે જે આપણા સમાજને ઉત્કૃષ્ટ બનાવે છે. આપણે મહેનતની જરૂર છે અને સખત મહેનત વગર કશું શક્ય નથી. તમને સરકાર પાસેથી શું જોઇએ છે? તમારી સખત મહેનતનું તમને વળતર મળવું જ જોઇએ. તમારા બાળકો માટે સારુ જીવન મેળવવા તમને સારી સરકારની જરૂર છે. શિક્ષણ બહુ જ મોટો અગત્યનો ભાગ ભજવે છે અને તે એક આવશ્યકતા છે. મારા જીવનનું પણ એવી જ રીતે જ પરિવર્તન થયું છે. આપણે ચોક્કસ થવાનું છે કે આપણી શાળાઓ આપણા બાળકો માટે શ્રેષ્ઠ આપે. અમારી પાર્ટી આ બાબત સમજે છે અને અમે શાળામાં વધુ ભંડોળ આપીશું જેથી સૌ બાળકોને શિક્ષણની વિશાળ તકો મળી શકે. સખત મહેનત, ફેમિલી, સેવા અને શિક્ષણની મહત્તા આપણા મુલ્યો છે. હું જો ફરીથી ચૂંટાઇશ તો હું ખાતરી આપીશ કે આ મુલ્યો જળવાઇ રહે.’’

શ્રી સુનકે કહ્યું હતું કે ‘હું આ દેશને પ્રેમ કરૂ છું કેમ કે તેણે મારા પરિવાર માટે શું કર્યું છે અને મારા દાદા-દાદીએ પણ તેની ઉજવણી કરી હતી. આજે બે પેઢી પછી હું આ દેશનો વડા પ્રધાન છું. મને નથી લાગતું કે મારી વાર્તા કદાચ બીજા કોઇ દેશમાં શક્ય થઇ શકી હોત. આજ યોગ્યતા આ દેશને સવિશેષ બનાવે છે. જો હું ફરીથી ચૂંટાઇશ તો હું ખાતરી આપું છું કે આપ સૈના જીવનને બહેતર કરવા માટે મારુ સર્વસ્વ આપીશ.  આ માટે તમારે બોબને ટેકો આપવો પડશે. એટલે જ્યારે આપણા બાળકો મોટા થાય ત્યારે તેમને લાગે કે તેમની પાસે ખૂબ જ તેજસ્વી ભાવિ છે. આપના ટેકા બદલ હું આપનો આભાર માનું છું.’’

આ પ્રસંગે કાઉન્સિલર કાન્તિભાઈ ધનજી રાબડીયા, નિતેશ હિરાણી તથા અન્ય કાઉન્સિલરો તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મંદિરના વર્તમાન પ્રમુખશ્રી સુરેશભાઈ રાબડીયા, ઉપપ્રમુખ શ્રી કાનજીભાઈ કેરાઈ, સેક્રેટરી શ્રી રીકીન કેરાઈ, અગ્રણી તેમજ ભૂતપુર્વ પ્રમુખશ્રી વિશ્રામભાઈ વાગજીભાઈ તથા કમિટી મેમ્બરોએ વડા પ્રધાનનું હાર્દિક સ્વાગત કર્યું હતું. તો આ પ્રસંગે ઉપસ્થિત ભાવિક ભક્તોના વિશાળ સમુદાયે તાળીઓના ગડગડાટથી વડાપ્રધાન શ્રી ઋષિ સુનકને વધાવ્યા હતા.

Report this page